Sannyasi Rebellion - સંન્યાસી વિદ્રોહ
સંન્યાસી
વિદ્રોહ કે ખેડુત વિદ્રોહ
ભાગ ૨
૧૭૬૪માં ફરી એકવાર રામપુરની બોઆલિયા બ્રિટિશ કોઠી અને જમીનદારોને લૂંટવામાં આવ્યા.
કોચબિહારની ગાદી માટે સેનાપતિ રૂદ્રનારાયણ અને રાજવંશના ઉત્તરાધિકારીઓ વચ્ચે મતભેદ
થયો. આ કારણે રૂદ્રનારાયણ અંગ્રેજોની અને રાજવંશજોએ ઉત્તર બંગાળના વિદ્રોહીઓની મદદ
માંગી. અંગ્રેજ સેનાપતિ લેફ્ટ. મારિસનના પહોચતા પહેલાંજ વિદ્રોહીઓએ કોચબિહાર પર કબ્જો
મેળવી લીધો. ૧૯૬૬માં મારિસનની સેના સાથે યુધ્ધ થયું તે સમયે વિદ્રોહીઓના નેતા સંન્યાસી
રામાનંદ ગોસઈ હતા. સેનાબળ અને આધુનિક શસ્ત્રો સામે વિદ્રોહીઓને હાર મળી પરંતુ ૨ દિવસ
પછી ફરી ૮ વિદ્રોહીઓએ હુમલો કર્યો પરંતુ અંગ્રેજ તોપોની સામે વિદ્રોહીઓએ પીછે હટ કરી.
સીધ યુધ્ધમાં શત્રુને પરાજીત કરવો અસંભવ છે તે સમજીને વિદ્રોહીઓ નાની નાની ટુકડીઓમાં
વહેચાઈ ગયા અને છાપમાર યુધ્ધની નીતિ અપનાવી. વ્યવસ્થિત આયોજન સાથે વિદ્રોહીઓએ અંગ્રેજ
સેનાને દુર્બળ કરી અને ઓગષ્ટ ૧૭૬૬ના અંતમાં ૪૦૦ વિદ્રોહીઓ મારિસનની સેના પર ટુટી પડ્યા.
રક્તરંજીત યુધ્ધ પછી મારિસનની સેના પરાજિત થઈ ભાગી ગઈ. કેપ્ટન રેનેલના ૩૦-૧૦-૧૭૬૬ના
એક પત્રમાં લખ્યું કે “આપણી અશ્વસેના દુર જતાં જ શત્રુઓ અચાનક હાથમાં તલવાર લઈ કોઈ
ગુપ્ત સ્થાનેથી નિકળ્યા અને મારિસન આ હુમલાં દરમ્યાન ભાગવામાં સફળ થયો. મારો સેનાપતિ
ભાઈ રિચાર્ડ ઘાયલ હોવાના કારણે ભાગી ગયો. મારા અન્ય સૈનિક મિત્રો માર્યા ગયા અને એડ્જુટેંટ
ખરાબ રીતે ઘાયલ થયો. તલવારના હુમલાના કારણે મારા બન્ને હાથ નકામા થઈ ગયા અને મારી હાલત
ખરાબ થઈ ગઈ.”
૧૭૬૭ માં સંન્યાસી વિદ્રોહનું કેંદ્ર સ્થાન પટના પાસે પણ વિદ્રોહીઓની એક મોટી સેના
ભેગી થઈ અને પટનાની ઇસ્ટ ઈંડિયા કંપનીને કોઠી પર અને અંગ્રેજોના વફાદાર જમીનદારોને
લૂંટી લીધા. બ્રિટિશ સરકારને કર વસુલવાનું અઘરુ બની રહ્યું હતું. વિદ્રોહીઓની જીત અને
હારનો સિલસિલો ચાલતો જ રહ્યો. ક્યારેક વિદ્રોહીઓ અંગ્રેજો સામે જીતી જતા અને ત્યાર
બાદ અંગ્રેજો મોટી સેના અને શસ્ત્રો સાથે હુમલો કરી જીતી જતા. બંગાળના તરાઈ જંગલોમાં
વિદ્રોહીઓ જમા થતા રહ્યા અને ઉત્તર બંગાળ સંન્યાસી વિદ્રોહનું કેંદ્ર બની ગયુ. જલપાઈગુડી
જિલ્લામાં એક કિલ્લો વિદ્રોહીઓ દ્વાર બનાવવામાં આવ્યો. અને આ કિલ્લાની ચારે બાજુ ચહારદિવાલ
અને ચારે બાજુ ખીણ બનાવવામાં આવી.
૧૭૬૬માં ઉત્તર બંગાળ અને નેપાળની સીમા પાસે અંગ્રેજ વેપારીઓનો પ્રતિનિધિ માર્ટેલ
એક ટીમ બનાવી લાકડાઓ કાપવા માટે ગયો. અને વિદ્રોહીઓએ તેને બંદી બનાવી લિધો અને માર્ટેલ
પર વિદ્રોહીઓની અદાલતમાં ખટલો ચાલ્યો અને તેને મૃત્યુ દંડ આપવામાં આવ્યો. આ સમાચારથી
કેપ્ટન મેકેંઝી સેના લઈ વિદ્રોહીઓ પર હુમલાના ઈરાદે આવ્યો પરંતુ વિદ્રોહીઓ જંગલમાં
અંદર સુધી જતા રહ્યા. ૧૭૬૯માં ફરી મેકેંઝી સેના લઈ આવ્યો પરંતુ વિદ્રોહીઓ ફરી ઉત્તર
તરફ જતા રહ્યા. અને ઠંડી ઋતુ શરૂ થઈ કે તરત જ વિદ્રોહીઓ અંગ્રેજ સેના પર ટુટી પડ્યા
અને રંગપુર સુધી પોતાની પકડ જમાવી. મેકેંઝીની મદદે લેફ્ટ. કિથ મોટી સેના લઈ આવ્યો ફરી
એક વાર વિદ્રોહીઓ જંગલમાં ઘુસી ગયા, આ સમયે અંગ્રેજો પણ જંગલમાં ઘુસી ગયા. ડિસેમ્બર ૧૭૬૯માં વિદ્રોહીઓએ પોતાની
પુરી તાકાત સાથે નેપાળ સીમાના મોરંગ અંચલમાં અંગ્રેજ સેના પર ટૂટી પડ્યા અને આ અથડામણમાં
કિથ માર્યો ગયો અને અંગ્રેજ સેના તબાહ થઈ ગઈ.
૧૭૭૦-૭૧માં પણ બિહારના પૂર્ણિયા જિલ્લામં વિદ્રોહીઓએ એક નવું આક્રમણ શરૂ કર્યુ પરંતુ અંગ્રેજોએ તેમનો મુકાબલો કરવા એક મોટી સેના ભેગી કરી રાખેલ આથી વિદ્રોહીઓને ફરી એક વાર હારનો સામનો કરવો પડ્યો અને આશરે ૫૦૦ વિદ્રોહીઓને બંદી બનાવવામાં અંગ્રેજ સેના સફળ રહી. આ કેદીઓ થકી વિદ્રોહીઓ વિશે જે તથ્યો કે જાણકારી મળી તે બધી જ મુર્શિદાબાદના રેવેન્યુ વિભાગને મોકલવામાં આવે. તથ્યો તપાસતા ખબર પડી કે બધા જ કેદીઓ સ્થાનિક ખેડૂતો હતા. તેઓ શાંતિપ્રિય અને સીધા સાદા નાગરિકો હતા, તેમનો નેતા પણ સ્થાનિક ખેડુત હતો. બધા વિદ્રોહીઓ તેને જાણતા પણ હતા અને તેને વફાદાર પણ હતા.
રંગપુર, દિનાજપુરના પ હજાર વિદ્રોહીઓની સેનાનું ગઠન
અને તેમની સાથે મેમનસિંહના વિદ્રોહીઓ વચ્ચે ઘનિષ્ઠ સંપર્ક હતો. ફેબ્રુઆરી ૧૭૭૧ દરમ્યાન
ઢાકા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓમાં અંગ્રેજોની કોઠીઓ અને જમીનદારોને લુંટવામાં આવ્યા.
આ મહિનાના અંતમાં મજનુશાહના નેતૃત્વમાં આશરે ૨૫૦૦ વિદ્રોહીઓની સેનાએ લેફ્ટ. ટેલર અને
લેફ્ટ. ફેંટહામની ખુબ જ મોટી સેનાનો સામનો કર્યો અને ફરી એકવાર વિદ્રોહીઓની હાર થઈ.
આ હાર પછી મજનુશાહે મહાસ્થાન ગઢમાં આશ્રય લીધો અને ત્યારબાદ બિહાર જતા રહ્યા. ૩૦ ડિસેમ્બર
૧૭૭૨ની વહેલી સવારે રંગપુર નજીક શ્યામગંજના મેદાનમાં સેનાપતિ ટામસે એક મોટી સેના સાથે
આક્રમણ કર્યુ. વિદ્રોહી નેતાઓએ ચતુરાઈથી હારીને ભાગી જવાનો દેખાડો કરી ફરી જંગલમાં
ભાગી ગયા. આ જોઈ અંગ્રેજ સેના ખુશ થઈ વિજય થયો માની ગોળીઓ હવામાં મારી આનંદ વ્યક્ત
કર્યો. અને બધી જ ગોળીઓ ખતમ થઈ એ જાણી વિદ્રોહીઓએ પલટવાર કરી અંગ્રેજ સેના પર તુટી
પડ્યા. આસપાસના ગામડાના લોકો પણ તીર-કામઠા, ભાલા, લાઠી વગેરે લઈ વિદ્રોહીઓ સાથે મળી અંગ્રેજ સેના પર હુમલો કર્યો. સેનાપતિ ટામસે
પોતાની સેનાના દેશી સિપાહીઓને હુમલો કરવાનો હુકમ કર્યો, પરંતુ
સિપાહીઓએ પોતાના જ દેશના ખેડૂતો પર જવાબી હુમલો કરવાનો ઈનકાર કર્યો. અને થોડી જ વારમાં
અંગ્રેજ સેનાની હાર થઈ અને ટામસ માર્યો ગયો. આ ઘટના બાબતે રંગપુરના સુપરવાઈઝર પાલિંગે
રેવેન્યુ કાઉંસિલમાં ૩૧ ડિસેમ્બર ૧૭૭૨ના રોજ પત્ર લખી જણાવ્યું કે “ખેડૂતોએ અમારી સહાયતા
તો ન જ કરી પરંતુ તેઓ સંન્યાસીઓની તરફ્થી અમારી વિરુધ્ધ યુધ્ધ કર્યુ. જે અંગ્રેજ સૈનિકો
ઊંચી ઘાસની અંદર છુપાયેલા હતા તે બધા જ ને ખેડૂતોએ શોધી શોધી મારી નાખ્યા. જે કોઈ અંગ્રેજ
સૈનિક ગામમાં ઘુસ્યો તેને ખેડૂતોએ મારી નખ્યો અને તેના શસ્ત્રો કબ્જે કરી લીધા.“
Indian Independence | Indian Freedom Struggle | Indian National Movement
No comments:
Post a Comment